“વિરહ” ગુજરાતી વાર્તા ભાગ 2 (“Virah” Gujarati Story Part 2)

By

નમસ્તે દોસ્તો, આપ સૌ નું મારા બ્લોગ In Gujarati માં સ્વાગત છે. આજ અપને એક વધુ વાર્તા વિષે જોવાના છીએ જેનું નામ છે “વિરહ” ગુજરાતી નૈતિક વાર્તા (“Virah” Gujarati Story). આશા રાખું છું કે તમને બધા ને આ વાર્તા ખુબ ગમશે. ચાલો તો વાર્તા તરફ આગળ વધીએ.

“વિરહ” ભાગ 2

વૈધના ગયા પછી પૂ. મોટા બાપુજી સાથે ખૂબ હેતવાળા એક મુક્ત ભાઈચંદભાઈ તેમના પગ દબાવતા હતા. તેમને બાપાશ્રીની વાતો વાંચવાનું કહ્યું. થોડી વાતો વાંચી પછી પૂ મોટાબાપુજી કહે “હવે રાખો” અને પોતાનો કંઠ ખૂબ મધુર હતો. આવા કંઠે મેરે તો એક તુમ હી આધારા… કીર્તન થોડ ગાયુ અને પડખું ફેરવી ગયા.. મૂર્તિના અનંતસુખમાં લીન થઈ ગયા. મારા પૂ. બાપુજીને વીજળી પડ્યા જેવુ દુઃખ થયું. મારા પૂ. ભાભુ ભાઈ જયંતિભાઈ (જે હાલ બિલિમોરા છે) તે સી બીજે જ દિવસે વિરમગામ છોડી વઢવાણ રહેવા આવ્યા.

ભાઈ જયંતિભાઈને પૂ. બાપુજીએ પોતાની પુત્રવત સાચવીને પિતાની ખોટ ન સાલે તેમ રાખ્યા. પૂ. મોટાબાપુજીની ઉત્તરક્રિયા, ટાણું વગેરે વઢવાણ કર્યું હેતવાળા હરિભક્તો તથા સાંખ્યયોગી બાઈઓના સમુહ અમારા દુઃખમાં ભાગ પડાવવા આવીને ટાણું પત્યું ત્યાં સુધી રહ્યાં. ત્યાર પછી ઘણી વખત કચ્છના સો-સો બાઈ ભાઈના સંઘ આવે તેમને જોરાવરનગર રાખી મારા મોસાળ પછી તેમજ અન્ય વ્યકિતઓ દ્વારા બાજરો દળાવી ઉમંગભેર ઘોડાગાડીમાં બધુ લઈ જઈ જોરાવરનગર રસોઈ થાય. કીર્તનો ગવાતા જાય, ધન્ય થતી જાય. આમ બાપા કહેતા કે “આવા ને આવા બ્રહ્મયજ્ઞો કરજે” તે થતા જાય. પૂ મોટાભાઈનો ચહેરો સુભાષચંદ્ર બોઝને મળતો આવતો. રૂપાળા હતા. ધર્મનું તેજ હતું. ખૂબ નિતીવાન હતા. અસાધારણ પ્રમાણિક હતા.

ગજા ઉપરવટ કહી શકાય તેવા દયાળુ હતા. તેઓ મ્યુનિસિપાલીટી (જોરાવરનગર- સુરેન્દ્રનગર)ના ચેરમેન બન્યા. તે વખતે સુરેન્દ્રનગરના કલેક્ટર શ્રી માને પાટીલ હતા એમને પૂ. મોટાભાઈ માટે અસાધારણ માન હતું. અને કહેતા કે તેમનામાં નામ તેવા ગુણ છે. શાંતુભાઈ જાય ત્યાં શાંતિ, બોલે ત્યાં શાંતિ. પૂ. મોટાભાઈ મારા એક જૈન મિત્રશ્રી કાંતિલાલ કોઠારી અને મેં મળી “ભારત ફાર્માસ્યુટીકલ ઈન્ડસ્ટ્રીઝ” નામનું સુરેન્દ્રનગરમાં લોહાણા બોર્ડીંગમાં કારખાનું કર્યું.

આ કારખાનામાં સ્પીરીટવાળી અને સ્પીરીટ વગરની દવાઓ બનાવતા. એ વરસે સૌરાષ્ટ્ર અલગ રાજ્ય હતું. જો તંદુરસ્ત હરિફાઈ હોય તો આ કારખાનામાં નફો સારો હતો પણ આમાં જે ઈથાઈલ આલ્કોહોલ અમને ડ્યુટી ૨ મળતો તે અનીતિ કરી જુદુ લેબલ મારી વેચી નાંખે તો ઘણી મોટી કમાણી હતી. અમારા સિવાય અમારી હરિફ કંપનીઓ આ પ્રલોભનથી મુક્ત નહોતી એટલે તેઓ એક બાજુ કાળા બજાર કરે અને બીજી બાજુ ડાઁક્ટરોને પડતર કીંમત કરતા સસ્તા ભાવે વેચે.

કારખાના ઉપર સરકારી એક્સાઈઝ ઈન્સ્પેક્ટર અને કોસ્ટેબલ રહેતા જે આ રેકટીફાઈડ સ્પીરીટના પીપોવાળા ઓરડાને અને તેના મિશ્રણવાળી દવાઓને રોજ સીલ મારે. આ સરકારી સ્ટાફનો પગાર અમારે ચુકવવાનો રહેતો. કામમાં સરળતા માટે અમારે આ સ્ટાફ પાછળ ઓછું વતું ઘસાવું પડતું. તે ઈચ્છતા કે અમે મોટા પાયે ખોટું કરીએ અને તેમને એ નિમિત્તે વ્યાજબી વળતર આપીએ.

આમાં મારું ભણતર એવું હતું કે મારી આવડતથી છ આના રતલ રેક્ટીફાઈડ સ્પીરીટમાં જરૂરી ક્રિયા કરીને પચાસ રૂપીયા કમાઈએ. વરસે દાડે સહેજે અમને એક લાખ રૂપીયા જે હાલના સવા કરોડ રૂપીયા જેવા થાય થાય તેટલું કમાઈએ. આમાં પૂ. બાપુજી, પૂ. મોટાભાઈ મારા જૈન મિત્ર અને હું પાપનો પૈસો કમાવા માંગતા નહોતા. એટલે કારખાનું બને તેટલી ઓછી બોટમાં બંધ કરી હું દિલ્હી ગયો અને મારી ફાર્માસ્યુટીકલ માર્કેટીંગની કારકીર્દી શરૂ થઈ.

મારા પૂ. મોટાભાઈ અમુ લાભચંદ્ર આદેશરાનું મને માર્ગદર્શન અને હૂંફ હતા. સુરેન્દ્રનગર કારખાનામાં મને પટ્ટાવાળાથી માંડી મીનીસ્ટરો સુધી જતજાતના અનુભવ (Exposure) મળેલો. પૂ. અમુ લાભુભાઈએ મને આધુનિક બનાવ્યો અને મોટા લોકોથી સહેજ પણ દબાવાની જરૂર નથી તે સમજાવી પોતના વર્તનથી મારી આ એક લઘુતાગ્રંથી ( Inferiority Complex) કાઢી નાખી. આશરે ૩થીell વર્ષઆરીતે અજાણી અને ઉત્તર હિંદુસ્તાનની જુદા પ્રકારની સંસ્કૃતિથી થડાઈ અને હું થોડો વખત (Sara Squibb) અને પછી ગુજરાતમાં અમદાવાદમાં “જર્મન શેરીંગ” નામથી ઓળખાતી મોટી કંપનીમાં જોડાયો.

આ કંપનીમાં એકાદ વરસ માંડ થયું હશે ત્યાં જોરાવરનગરમાં પૂ. મોટાભાઈ ઓચિંતા હેમરેજથી ધામમાં ગયા. તેમની પ્રતિષ્ઠા એવી હતી કે તે વખતે સુરેન્દ્રનગરમાં ગાંધી હોસ્પિટલના ઉદ્ઘાટન માટે ડૉ જીવરાજ મહેતા (ઘણું કરીને) તે અગર બીજા પ્રતિષ્ઠિત પ્રધાન આવેલા તેમાં મનોરંજન કાર્યક્રમ રદ થયો. ગામમાં પૂ. મોટાભાઈના ગામમાં ત્રણ દિવસ હડતાલ પડી, ઘોડાગાડીવાળા પણ પૂ. મોટાભાઈના મહેમાન સિવાય કોઈને લઈ જતા લાવતા નહિં. મ્યુનિસિપાલીટીએ રેલ્વેના પાટાથી જતા ભોગાવાના કિનારા સુધીના રસ્તાનું નામ “ડૉ. શાંતિલાલ આદેશરા રોડ” આપ્યું. વચમાં ત્રણ ખણિયો બગીચો અને લાયબ્રેરી છે. તેને પણ આ સેવાભાવી ડૉક્ટરનું નામ અપાયું. મારા પૂ. બાપુજીએ લોકોની લાગણી તાજી હતી. તે વખતે જ તે દવાખાનામાં વઢવાણથી ઘોડાગાડીમાં રોજ આવવાનું શરૂ કર્યું. દવાખાનાની કમાણીમાંથી કુટુંબના નાના મોટા કામ થયા.

પૂ. મોટાભાઈએ એક સોસાયટીમાં ઘર બાંધવાનું શરૂ કરેલું તે પુરૂ થયું. ત્યાર પછી મારી ભત્રીજી ચિ. યશોધરાનું લગ્ન પણ, પૂ. મોટાભાઈને ધામમાં ગયા પાંચ જ મહિના થયેલા, ત્યાં સારા સુખી ઘરે સગપણ થયેલું તે સુરતના ઝવેરી કુટુંબમાં પતાવ્યું. ગામના માણસો જમ્યા નહિં પણ તન-મન-ધન (ચાંલ્લા)થી ગામની દીકરી પરણી હોય તેમ સારી રીતે લગ્ન પતાવ્યું. સંતાનોમાં હવે ચિ. રમેશભાઈનું ભણતર બાકી હતું.

ચિ. વિનોદભાઈને ભણવામાં સફળતા ન મળી એટલે ચમાની લાઈનમાં ઘડાયા અને ખૂબ જ આગળ વધ્યા. ચિ. રમેશભાઈને આ દવાખાનામાંથી જ ખરચ મળે તેની વ્યવસ્થા પૂ. બાપુજીએ કરી. ત્યારપછી ઘણા વર્ષો સુધી મારા પૂ. રૂક્ષ્મણીભાભી જોરાવરનગર રહ્યા ત્યાં સુધી આ દવાખાનામાંથી આવક ચાલુ રહે તેવી રીતે ડૉક્ટર રાખેલ (જે અગાઉ કમ્પાઉન્ડર હતા, તેમની સાથે વ્યવસ્થા કરી. બીજી બાજુ ડૉ. પ્રિયકાંતભાઈ વડોદરામાં સ્થાયી થતા તેમને મારા ઉપર અસાધારણ હેત હતું. અને જર્મન શેરીંગમાં વડોદરામાં ધંધામાં ઝડપી વિકાસ માટે તેમનો ફાળો મુખ્ય હતો.

તેમણે ખૂબ સંઘર્ષ કર્યો અને સત્સંગ તથા કુટુંબની સારી સેવા કરી. ડૉ. પ્રિયકાંતભાઈ M.B.E.S, થઈ રહ્યા ત્યારે પ.પૂ. સદ્ સ્વામી ઈશ્વરચરણદાસજી સ્વામી વાડજ, ૨૨, ચાંપાનેર સોસાયટીમાં હવાફેરનું નિમિત્ત કરી રહેતા. પૂ. પ્રિયકાંતભાઈને સદ્દગુરૂની સેવાનો થોડો ઘણો લાભ મળ્યો. તે મને કહેતા કે સદ્દગુરૂનો મંદવાડ એક રીતે ડૉક્ટરી દૃષ્ટિએ દેહધારીના જેવો લાગે, તો કોઈ વખત તેમનું સ્વતંત્રપણું પણ જણાઈ આવે મારા લગ્ન ડિસેમ્બર ૧૯૪૫માં થયા અને ત્યાર પછી બે એક માસમાં જ પૂ. મોટા બાપુજી ધામમાં ગયા.

મારા પૂ. માતુશ્રીને ગર્ભાશય ઉપર ગાંઠ હતી. તે વડોદરાના પ્રખ્યાત સ્ત્રી રોગના નિષ્ણાંત ડૉ. કુલશ્રેષ્ઠ પાસે કરાવ્યું. તે વખતે પૂઅમુ મનસુખભાઈ હાજર રહેલા. ઓપરેશન પછી ત્રણ દિવસ આંતરડાનું હલન ચલન થતું નહોતું એટલે ડૉક્ટર ચિંતામાં હતા. તે વખતે પૂ. અમુ મનસુખભાઈ એ કહ્યું આજ ચાર વાગે સાંજે આંતરડાનું હલન ચલન થશે. અને એમજ થયું. આ મહામુક્ત વડવાનળ અગ્નિ જેવા હતા અને બાપાશ્રી પાસે ધાર્યું કરાવે તેવા બળીયા હતા.

તેમણે પૂબાને શરીરે ઘાત ગઈ એટલે કહ્યું “બહેન અમારૂં મોટું કાળું નહિ થવા દઈએ.” ત્યાર પછી મારા પૂ. બાપુજીને બંને બાજુ સારણગાંઠ હતી. તેનું ઓપરેશન ડૉ. મણીલાલ પટેલ હતા તેમણે ખૂબ પ્રેમ પૂર્વક કર્યું. આ સેવા પણ વડોદરા થઈ. ડૉ મણિલાલભાઈએ પોતાનું હોસ્પિટલ આધુનિક બનાવ્યું. અને નામ “સુશ્રુત” રાખ્યું. ત્યારે સૌથી પહેલા પેશન્ટ ૫.પૂ.અમુ કાનજીબાપા હતા. તેમને પ્રોસ્ટેટની તકલીફ હતી.

બાપાશ્રીના પુત્રનું ઓપરેશન એટલે ઘરે મહેમાન ઘણા આવે. પૂ.અસૌ. શાંતાભાભી ભાવથી યથાશક્તિ સેવા કરે. કચ્છથી સેવક પ્રેમજીભાઈ ડૉક્ટરનું શીખવા થોડો વખત વઢવાણ રહ્યા અને થોડો વખત વડોદરા પૂ. ડૉ. પ્રિયકાંતભાઈને ત્યાં રહ્યાં. વૃષપુરમાં આવી પ્રેક્ટીસ કરી. પ્રેક્ટીસ સારી હતી પણ પછી આફ્રીકા ગયા અને આર્થિક રીતે સદ્ધર થયા. નારાયણપુરના પ.ભ.શામજી કરમણને ડાયાબીટીસ હતો. તેમની સારવાર વઢવાણ પૂ. બાપુજીએ કરી.

આ ટ્રીટમેન્ટથી પેશાબમાં ખાંડ આવતી બંધ થઈ ગઈ પણ મારા પૂ. બાપુજીને તેમના ચિન્હો સંતોષકારક ન લાગ્યા એટલે વડોદરા મોકલ્યા જ્યાં લોહીમાં ખાંડ છે, તેમ આવ્યું. અને તે મુજબ સારવાર કરી. પૂ.અમુ સ્વામી ગોપીવલ્લભદાસજી સ્વામી આંખનું નિમિત્ત કરી વડોદરા આવ્યા. ત્યાં ડૉ. વાડીભાઈ કામદાર પાસે સારવાર કરાવી પણ તેમને ડાયાબીટીસ હતો. એટલે એક માસ ચરી પાળવાની હતી આ માટે ડૉ. પ્રિયકાંતભાઈના માર્ગદર્શન મુજબ મારા ભત્રીજા માધુભાઈ તથા હું સ્વામીને ચરી પાળી શકે તેવો ખોરાક લઈને મંદિર જતા.

પૂ. લાભુભાઈએ મારા ઉપર (B.Sc.) પછી મારા ભણતરનો ભાર ઉપાડી લીધો અને બોમ્બયુનીવર્સિટીના પ્રખ્યાત બોમ્બે યુનિવર્સિટીડીપાર્ટમેન્ટ ઓફ કેમીકલ ટેકનોલોજીમાં (BUD,C,T) ફુડઝ એન્ડ ડ્રગ્સ સાથે B.Sc. Tech. પાસ થયો. આ રીતે પૂ. લાભુભાઈએ મારા નાનાભાઈ અનિ. અચુભાઈને (MA LLB) ભણાવ્યા જેમાં એક વરસ મેં સેવા કરેલી. આ ભણતર માટે ભાઈ બચુભાઈ મુંબઈ, રાજકોટ અને અમદાવાદ ભણ્યા તેમણે Entire Economics (અર્થશાસ) રાખેલું.

મારી નાની બહેન અસૌ. ઈન્દુબહેનનું વેવિશાળ મુંબઈના શ્રી દેવચંદભાઈ મુળજીભાઈ ચોક્સીના પુત્ર શ્રી કાંતિલાલ સાથે કરેલું, આ લગ્ન અને ભાઈ અચુભાઈનું લગ્ન એક સાથે જ ગોઠવેલું. આ લગ્નમાં જાનને સાચવવાનું મારા માથે રાખ્યું હતું. તે વખતે મારે સુરેન્દ્રનગરમાં કારખાનું હતું. એટલે તેના મજુરો કામે લગાડ્યા.

જાનમાં તો આશરે (B.PI) ૨૫-૩૦ માણસો હતા. પણ સત્સંગમાં રામપરાના હરિભક્તો, અમદાવાદથી શેઠ અમુ બળદેવભાઈ, અમુ બહેચરભાઈ ગજજર, અમુ સોમચંદભાઈ વગેરે હતા. લગન છે કે જગન છે, તે ખબર પડે તેવું ન હોતું રામપરાના અને થોડા કચ્છના હરિભક્તો વહેલી સવારે કીર્તન ગાતા ગાતા ધર્મ તળાવ નહાવા જાય અને પુજા-સેવા કરે. સંજોગો એવા થયા કે ભાઈ અચુભાઈના લગ્નમાં બહુ ઓછા માણસો.

બાઈઓમાં ડૉ. કેશુભાઈના માતુશ્રી પૂ. અસૌ. પુરીમાસી વગેરે થોડા હતા. આમાં એક એક મુનિમાં અનંત મુનિના વૃંદ રહ્યા છે. તેવા પૂ અમુ સોમચંદભાઈએ બુલંદ અવાજે “સરવે સખી જીવન જોવાને ચાલી રે.” આ કિર્તન ઉપાડ્યું. આ એક મોટું સંભારણું થઈ ગયું. આ લગ્નોનો મોટો આર્થિક ભાર પણ પૂ. લાભુભાઈએ ઉપાડ્યો.

પૂ. લાભુભાઈ શરૂમાં મુંબઈ બાટલીબોય એન્ડ કો. માં નાની પોસ્ટ ઉપર હતા પણ તેમના ભાષા ઉપરનું પ્રભુત્વ અને શેઠને નવાઈ થાય તેવી પ્રમાણિકતાથી તેમને દિલ્હી સરકારી કામકાજ કરવા (Lassen) મોકલ્યા ત્યાં તેમણે ખૂબ ઝડપી પ્રગતિ કરી. ૧૯૪૮માં પૂ. લાભુભાઈ કંપનીના કામે ગોરખપુર ગયા ત્યાં જેમને મળવાનું હતું તે સાહેબ બે દિવસ પછી આવવાના હતા. એટલે છપૈયા દર્શન કરવા આવ્યા. છપૈયા રેલ્વે સ્ટેશન નહિ પણ Flag Station હતું.

ફર્સ્ટ ક્લાસમાં શુટ ટાઈ પહેરેલા સાહેબ જોઈ સબ સ્ટેશન માસ્ટર મુંઝાયા અને સ્ટેશનના કોઈ હમાલ પાસે સામાન ઉપડાવી છપૈયા મંદિર પહોચાડ્યો. છપૈયા મંદિરમાં લાઈટ નહોતી એટલે કંપની પાસેથી શક્ય એટલા ઓછા પૈસે તેમણે તથા દિલીના હરિભક્તોએ જનરેટર નંખાવ્યું જેની સર્વિસ કંપનીનો માણસ મફત કરતો. પૂ. લાભુભાઈ કંથારીઆના હરિભક્ત (જે પછી પ્રખ્યાત આર્કીટેક્ટ થયા) તે માનસિહજી રાણા તથા પ.ભ, કિશોરભાઈ ગઢીયા લેબર મીનીસ્ટર ગુલઝારીલાલ નંદાને મળ્યા.

Also Read- “વિરહ” ગુજરાતી વાર્તા ભાગ 1 (“Virah” Gujarati Story Part 1)

Also Read- “વિરહ” ગુજરાતી વાર્તા ભાગ 3 (“Virah” Gujarati Story Part 3)

Summary

આ વાર્તા ખુબ મોટી હોવાથી તેને ત્રણ ભાગ માં વહેંચવામાં આવેલી છે, પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમને બધા ભાગ ની લિંક બ્લોગ માં મળી જશે અને બધાજ ભાગ એક સાથે પુબ્લીશ કરવામાં આવેલા છે. જો તમને આ વાર્તા ગમે તો નીચે કોમેન્ટ કરી અને અમને ચોક્કસ જણાવજો.

1 thought on ““વિરહ” ગુજરાતી વાર્તા ભાગ 2 (“Virah” Gujarati Story Part 2)”

Leave a Comment